સુરતની વર્ષોજૂની એવી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં હજારો વિદ્યાર્થીઓને સારી સવલત મળી રહે એ હેતુથી નવા પ્રોજેક્ટો શરૂ કરવાના પ્રયાસો પણ હાથ ધરાઇ રહ્યા છે. જે અંતર્ગત હવે સોસાયટીના કેમ્પસમાં જ અધધધ ૩૧ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધા સાથેનું બોય્ઝ હોસ્ટેલ બનશે. ૧૩ માળની હોસ્ટેલમાં વાઇફાઇ, સીસીસીટીવી, એસી રૂમ સહિતની સુવિધા અપાશે. વિદ્યાર્થીઓની સુવિધા ખાતર સોસાયટીના લાખેણા પ્રોજેક્ટનું મંગળવારે કથાકાર મોરારિબાપુના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.
૧૦૦ વર્ષ પૂરા કરનારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં હાલ એક બોય્ઝ અને બે ગર્લ્સ હોસ્ટેલ છે. સોસાયટી કેમ્પસમાં જ એમટીબી કોલેજના પાછળના ભાગે આવેલી બોય્ઝ હોસ્ટેલમાં હાલમાં ૩૭૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા મળી રહી છે. જ્યારે બે ગર્લ્સ હોસ્ટેલમાં ૭૦-૭૦ મળીને ૧૪૦ને આશરો અપાઇ છે. આ સિવાય કેટલીક વિદ્યાર્થિનીઓ માટે અલાયદી સુવિધા કરાઇ છે. જોકે, સોસાયટીને હોસ્ટેલને વર્ષો થઇ જવાની સાથે જ વિદ્યાર્થીઓના હિત, સુવિધાને ધ્યાનમાં લઇને નવી હાઇટેક હોસ્ટેલ બનાવવાનું નિર્ધારિત કરાયું છે. સોસાયટીના ચેરમેન કશ્યપ મહેતાએ જણાવ્યું હતું કે, જૂની બોય્ઝ હોસ્ટેલની બાજુમાં જ ૧૩ માળની કોલેજમાં ૭૫૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા હશે. તેમાં વાઇફાઇ, સિક્યોરિટી, સીસીટીવી સહિત પ્રથમ બે માળ એસી બનાવવાની વિચારણા પણ થઇ રહી છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના સ્ટુડન્ટ માટે સિંગલ સિટરની વ્યવસ્થા હશે. તે માટે ટેન્ડરની સ્ક્રૂટીની ચાલી રહી છે. ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થઇ જશે.
No comments:
Post a Comment